ગુજરાત એ વિકસિત નહીં ગરીબીમાં જીવતું ગુજરાત છે. જ્યાં ચકાચાંદ ચાંદની પાછળ ગરીબીને છુપાવાઈ રહી છે. સરકાર ભલે વાહવાહી કરે અને વિકાસની વાતો કરે પણ કેન્દ્ર સરકારના આંકડા વિકાસની પોલ ખોલી રહ્યાં છે. ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર વાઈબ્રન્ટ અને વિકાસશીલ ગુજરાતનો ધૂમ પ્રચાર કરે છે પણ વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને 1.02 કરોડ સુધી પહોંચી ચૂકી છે.
ગરીબી આજે સરકાર માટે પણ પડકારરૂપ બની રહી છે કારણ કે, ગરીબ પરિવારોને પુરતો આહાર, રહેઠાણ અને વસ્ત્રો પણ પ્રાપ્ય નથી. ગરીબી હટાવોના સૂત્રો પોકારી સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આક્ષેપબાજી કરી રહ્યાં છે. પરંતુ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર પણ ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહી છે..
અનેકવિધ સરકારી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખુદ રાજ્ય સરકારે કબૂલ્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 1359 ગરીબ પરિવારો વધ્યાં છે. સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, આણંદ, જૂનાગઢ અને દાહોદમાં ગરીબ પરિવારોની સંખ્યા વધુ છે. સરકારે ભલે તે દાવા કરે પણ હકીકત એ છે કે, ગુજરાતમાં ગરીબીએ અડિંગા જમાવ્યા છે. વર્ષ 2023માં ગરીબીનું ચિત્ર સુધર્યું નથી.