
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. વાસ્તવમાં સુરક્ષા દળોએ કુપવાડાના માછિલમાં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે તંગધારમાં એક આતંકીને ઠાર કર્યો છે. મહત્વનું છે કે, હજી પણ રાજૌરીમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓ સરહદ પારથી ઘૂસણખોરી કરી રહ્યા હતા. એન્કાઉન્ટર બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ સાથે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.આતંકવાદીઓની ગતિવિધિઓને રોકવા માટે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ એક વિસ્તારને ઘેરી લેતા જ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓની સ્થિતિ સમજવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. આનાથી તેમને એ જાણવામાં મદદ મળી કે આતંકવાદીઓ ક્યાં છુપાયેલા છે. આતંકીઓને શોધવા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોની અન્ય ટીમોને એલર્ટ કરવામાં આવી છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અને રક્ષા મંત્રી પણ જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી ચૂક્યા છે. જેમાં તાજેતરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં થયેલા વધારાને અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેનો સામનો કરવા માટેના આદેશો પણ આપવામાં આવ્યા હતા.