સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર બરેજ બનાવવાનું નક્કી કર્યું છે. જેના કારણે આવનાર વર્ષોમાં સુરતની પ્રજાને ક્યારે પણ પાણીની અછત સર્જાશે નહીં. સુરતથી પસાર થનાર તાપી નદી અરબી સમુદ્રમાં મળે છે. જેના કારણે કરોડો લીટર પાણી સમુદ્રમાં ઠલવાઇ જતું હતું. ખાસ કરીને મોનસુન સમય પીવાલાયક પાણી સમુદ્રમાં જતું હતું. મોનસુનના પાણીને કઈ રીતે સ્ટોરેજ કરી શહેરીજનોને પીવાલાયક પાણી આપી શકાય વિચાર સાથે સુરત મહાનગરપાલિકા તાપી નદી પર કરોડોના ખર્ચે બેરેજ બનાવશે. .
સુરતની પ્રજા માટે મહત્વકાંક્ષી કન્વેન્શનલ બેરેજ થકી રૂઢથી કોઝવે સુધીના 10 કિમીનું મીઠા સરોવરનું તળાવ રચાશે. સરોવરમાં 1700 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પ્રોજેકટના કારણે શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે. તાપી નદી 12 માસે મીઠાપાણીથી ભરાયેલી રહેતા શહેરના ભૂગર્ભ જળની ક્વોલિટી સુધરશે. સુચીત બેરેજની કામગીરી પૂરી થયા બાદ સુરત શહેરમાં વર્ષ 2033 ની 1.17 કરોડની વસ્તી અને 2048માં 2.27 કરોડની વસ્તી થવાનો અંદાજ છે. તેના માટે પાણી પુરવઠો આ બેરેજમાંથી પુરતા પ્રમાણમાં મળી રહેશે.