સુરતનાં AAP નાં કોર્પોરેટર દ્વારા પે એન્ડ પાર્કનાં કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા આ સમગ્ર મામલે સુરત એસીબીમાં કોર્પોરેટર સામે ફરિયાદ કરી હતી. આ સમગ્ર બાબતે એસીબી દ્વારા તટસ્થ તપાસ કર્યા બાદ AAP નાં કોર્પોરેટરો સામે મોડી રાત્રે ગુનો નોંધ્યો હતો. જે બાદ AAP નાં કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા ફરાર થઈ જવા પામ્યા હતા. સુરત એસીબીએ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
એસીબીનાં એસીપી આર.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ પુરાવાઓનાં આધારે કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડિયા અને વિપુલ વશરામબાઈ સુહાગીયા સામે લાંચ માંગવાનાં આરોપને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ આરોપી વિપુલની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જ્યારે કોર્પોરેટર જીતુ ફરાર થઈ જવા પામ્યો હતો. જેની શોધખોળ ચાલુ છે.