શિષ્યવૃત્તિને લઈ એક વિદ્યાર્થીની અરજી વાયરલ થઈ છે. જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવો કરવા કાલેઘેલી ભાષામાં એક વિદ્યાર્થીએ રજૂઆત કરી છે. પ્રાથમિક શિક્ષક સંઘે પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી પ્રાથમિક શાળામાં અપાતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવા કરવા રજૂઆત કરી છે. ઓનલાઈન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર દૂર કરી પ્રક્રિયા સરળ કરવા રજૂઆત કરાઈ છે.
સરકારના જુદાજુદા વિભાગ દ્વારા રેશનકાર્ડના ડેટા બેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સાથે હવે રેશનકાર્ડને જોડવા માટેના આદેશ કરાયો છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરી સૂચના અપાઈ છે. જેમાં જણાવાયું છે કે, શાળાના જે વિદ્યાર્થીના નામ રેશનકાર્ડમાં ન હોય તેવા વિદ્યાર્થીઓની યાદી બનાવી અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણની કચેરીમાં જમા કરાવી વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં ચઢાવવાના રહેશે. જેમની પાસે રેશનકાર્ડ જ નથી તેવા વિદ્યાર્થીઓએ નવું રેશનકાર્ડ કઢાવવાનું રહેશે. જોકે આ તમામ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો સ્કોલરશીપ નહીં મળે.