Satya Tv News

તાજેતરમાં રાજકોટમાં ભાજપના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે અમદાવાદ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલતા છલકાઇ છે. જેને જોતાં લાગે છે કે જાણે રાજકીય પક્ષોએ જાણે અશ્લીલતા ફેલાવવાની હરીફાઇ લગાવી હોય. 

વાત જાણે એમ છે કે અમદાવાદ શહેરના કોંગ્રેસના ચાંદખેડાના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના એક આધેડ કાર્યકર દ્વારા ચાંદખેડા બૂથ ટીમ અને સંગઠન ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા. આ ગ્રૂપમાં કોર્પોરેટરથી માંડીને શહેર પ્રમુખ સહિત મહિલા કાર્યકર્તાઓ પણ સામેલ હોવાથી મહિલાઓને શરમમાં મુકાવવાનો વારો આવ્યો હતો. 

વોટ્સએપમાં અચાનક અશ્લીલ ફોટા શેર કરવામાં આવતાં ગ્રૂપમાં હોબાળો મચી ગયો હતો અને તાત્કાલિક ફોટા ડિલેટ કરી આધેડ કાર્યકરને રિમૂવ કરી દેવામાં આવ્યો હતો. ગ્રૂપમાં સતત આધેડ કાર્યકર્તા વિરૂદ્ધ કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. જોકે આધેડ કાર્યકારે અશ્લીલ ફોટા શેર કરવાના મુદ્દે ખુલાસો કરતાં મોબાઇલ હેક થયો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત કાર્યકર્તા દ્વારા માફી પણ માંગવામાં આવી હતી. 

તાજેતરમાં જ આવી ઘટના રાજકોટમાં સર્જાઇ હતી. ભાજપ રાજકોટના વોર્ડ નં.4ના બૂથ નં.56ના વોટ્સએપ ગ્રૂપમાં મનીષ પરસાણા નામના ભાજપના કાર્યકર્તાએ એક પછી એક 6 જેટલા અશ્લીલ ફોટા શેર કર્યા હતા. જેના લીધે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કારણ કે આ ગ્રૂપમાં 200 થી વધુ કાર્યકર્તાઓ જોડાયેલા છે. જેમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ સામેલ છે.  આ ગ્રૂપમાં એડ મહિલાઓ ક્ષોભનીય સ્થિતિમાં મુકાઇ હતી અને મહિલા મેયર નયનાબેન પેઢડિયા સહિત અને મહિલા કાર્યકર્તાઓએ ટપોટપ ગ્રૂપ લેફ્ટ કરી દીધું છે. આ સમગ્ર મામલો શહેર ભાજપ પ્રમુખ સુધી પહોંચી આ મામલે તપાસ કરવાની જવાદારી વોર્ડના આગેવાનોને સોંપવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહીની બાંહેધરી પણ આપવામાં આવી હતી. 

error: