Satya Tv News

અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો છે. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો.

ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે ‘સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે, અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે’

કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતાં રાજ્ય સરકારના તમામ સૂચનો JPC કમિટીને આપી દેવાયા છે. JPCની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે. સૂચનોની સંપૂર્ણ માહિતી JPC કમિટીના નિયમ પ્રમાણે સૌ મીડિયાને આપી દેવાશે. વક્ફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને થયેલી બોલાચાલીના મુદ્દે તેમણે કંઈપણ બોલવાની મનાઈ કરી હતી. JPC આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સાંસદો છે.

error: