
કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેના બે દિવસ વરસાદને કારણે બગડ્યા હતા અને પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવતું હતું કે આ મેચનું પરિણામ આવવાની શક્યતા ઓછી છે, પરંતુ ચોથા દિવસે ભારતીય ટીમે મજબૂત બોલિંગ બાદ શાનદાર બેટિંગ કરી હતી.ભારતીય ટીમે ચોથા દિવસે સિક્સર ફટકારીને મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કાનપુર ટેસ્ટમાં સિક્સરોના વરસાદ સાથે ટીમ ઈન્ડિયા વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનારી ટીમ બની ગઈ છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે આખી ટીમે સાથે મળીને શાનદાર બેટિંગ કરી હતી અને ઈનિંગમાં કુલ 11 સિક્સર ફટકારીને ઈંગ્લેન્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
ઈંગ્લેન્ડની ટીમે વર્ષ 2022માં 15 ટેસ્ટ મેચમાં 89 સિક્સર ફટકારી હતી, જ્યારે ટીમ ઈન્ડિયાએ 8 ટેસ્ટ મેચમાં 96 સિક્સ ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સાથે જ ટીમ ઈન્ડિયાએ આ વર્ષે હજુ 7 વધુ ટેસ્ટ મેચ રમવાની છે અને આવી સ્થિતિમાં ટીમ આ વખતે 150 સિક્સર મારી શકે છે.ચોથા દિવસની રમતમાં બાંગ્લાદેશને 233 રનમાં આઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયા તરફથી ઘણી આક્રમક બેટિંગ જોવા મળી હતી.