હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉતર-પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ,ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે તો ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાનની આગાહી પ્રમાણે આગામી 8 ઓક્ટોબર સુધી ચક્રવાત અસર જોવા મળી શકે છે.
રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સૌરાષ્ટ્રનાં દક્ષિણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવનાં હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.