આરોપ છે કે લાલુ પ્રસાદ 2004 થી 2009 વચ્ચે દેશના રેલ્વે મંત્રી હતા તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને જમીનના બદલામાં રેલ્વેમાં ગ્રુપ ડીની ભરતીમાં ઘણા લોકોને નોકરી અપાવી. આરોપ છે કે, આ જમીનો રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવના નામે કરવામાં આવેલા ડીડ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. CBIએ દાવો કર્યો હતો કે, આવી નિમણૂંકો માટે કોઈ જાહેરાત અથવા કોઈ જાહેર સૂચના જાહેર કરવામાં આવી નથી તેમ છતાં નિમણૂક કરનારાઓ, પટનાના રહેવાસીઓને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં અવેજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED આ મામલાની તપાસ કરી રહી છે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને હાજર થવાનો આદેશ આપ્યો હતો.
RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવને લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તમામ આરોપીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. દરમિયાન કોર્ટે તમામ આરોપીઓને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને મીસા ભારતી એક જ ટેબલ પર સાથે બેઠા હતા.