અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા EWS આવાસ યોજનાનાં મકાનો ફાળવણી વિના તોડવા મામલે વિવાદ સામે આવ્યો હતો. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ત્રણ વર્ષની બાળકી પડી જતા મૃત્યુ થયું છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડાને પુરવામાં ન આવ્યો હોવાના કારણે વરસાદી પાણી તેમાં ભરાઈ ગયું હતું. જેમાં રમતાં રમતાં બાળકી પડી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. બાળકીના મૃતદેહને ખોળામાં લઈને તેની માતા રોકકળ કરી રહી હતી. વટવા પોલીસે જે બાળકીનું મૃત્યુ થયું હતું તેનાં પરિવારજનો સાથે પણ ખરાબ વર્તન કરી ગાળો બોલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જવાબદાર સામે ચોક્કસ કડક પગલાં ભરાશે
વટવામાં ઇ ડબલ્યુ એસ આવાસ યોજનાનાં મકાનો તોડવામાં આવી રહ્યાં છે, ત્યાં ખાડો ખોદ્યો હતો. તેમાં એક બાળકીનું મૃત્યુ થયું હોવાની અમને માહિતી મળી છે. વટવા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ત્યાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ખરેખર કેવી રીતે ઘટના બની અને આમાં કોણ જવાબદાર છે, તે તમામ અંગે તપાસ કરવામાં આવશે અને જે કોઈપણ કોન્ટ્રાક્ટર અથવા અન્ય વ્યક્તિ જવાબદાર હશે તો તેની સામે ચોક્કસ કડક પગલાં ભરવામાં આવશે.