મુંબઈથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે તપાસ બાદ આ સમાચાર અફવા સાબિત થયા અને પ્લેનમાંથી કંઈ મળ્યું ન હતું. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે મોડી રાત્રે મુંબઈથી ફ્લાઇટ ઉપડ્યા પછી તરત જ એક અજાણ્યા વ્યક્તિએ ટ્વીટમાં દાવો કર્યો હતો કે વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો, જેમાં લગભગ 200 મુસાફરો અને ક્રૂ હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ ATC દ્વારા એલર્ટ કરાયા બાદ પાઈલટોએ અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
જે દિલ્હી જવા માટે ફ્લાઈટના રૂટ પર સૌથી નજીકનું એરપોર્ટ હતું. મધ્યરાત્રિ દરમિયાન અહીં ઉતર્યા પછી લગભગ 200 મુસાફરો અને ક્રૂને લઈને આવેલા વિમાનની સુરક્ષા એજન્સીઓ દ્વારા આખી રાત સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જો કે, કંઇ શંકાસ્પદ ન મળતાં ગ્રીન સિગ્નલ મળ્યા બાદ આજે સવારે લગભગ 8 વાગે વિમાને દિલ્હી માટે ઉડાન ભરી હતી.