નેશનલ સ્ટોક એક્સચેંજના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી રૂ.63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ આરોપી દંપતીને ભરૂચ સી ડીવીઝન પોલીસે ખેડા જિલ્લાના નડીયાદથી ઝડપી પાડ્યું હતું.પોલીસે બંને ભરૂચ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના તવરા માર્ગ પર આવેલા આર.કે.કાઉન્ટીમાં બ્રજેશકુમાર શ્રીવાસ્તવ તથા તેમની પત્ની નિશા શ્રીવાસ્તવ અને અંશલાલા શ્રીવાસ્તવ રહે છે. બ્રજેશકુમાર નોકરી ધંધા વગર બેકાર ફરતો હતો. જેથી આ ત્રણેય વ્યક્તિઓએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરું રચી નેશનલ સ્ટોક એક્સચેંજના (N.S.E) ના નામે ખોટા દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે રજુ કરી N.S.E ના અધિકારીની ખોટી સહી તથા સિક્કાનો ઉપયોગ કરી ઈલેકટ્રોનિક ઉપકરણ દ્વારા પોતાની નેશનલ સ્ટોક એક્ષચેન્જના બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપી હતી.
ત્યાર બાદ તેના ખોટા દસ્તાવેજો ફરીયાદીને રૂબરૂ તથા ઈમેલ તથા વોટસએપ દ્વારા મોકલી ફરીયાદી સાથે છેતરપિંડી કરવાના ઈરાદે પરીચય કેળવી મિત્રતાના નામે રૂ.63,94,000 પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઈ ફરીયાદી તથા ફરીયાદીના સાથી મિત્રો સાથે છેતરપીંડી કરી ગુનો આચરી નાશી ગયા હતાં.આ મમાલે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શેરબજારમાં રોકાણના નામે રોકાણકારો સાથે રૂ.63.94 લાખની છેતરપિંડીનો ગુનો 24 ઓગસ્ટના રોજ દાખલ થયો હતો.આ ગુનામાં બંને વોન્ટેડ જાહેરે કરાયા હતા.
આ ગુનામાં સી ડીવીઝન પોલીસે આરોપીઓને ઝડપી પાડવા પીઆઈ વી.આર.ભરવાડએ, પીએસઆઈ પી.જે. સાળુકે, પીએસઆઈ બી. એસ.શેલાણા, બી.એમ. ચાવડા,એએસઆઈ શૈલેષભાઈની અલગ-અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ઉંડાણપુર્વક ની તપાસ હાથ ધરી હતી.જેમાં આ કામના આરોપી ઓ હાલ નડીયાદ ખાતે હોવાની માહીતી મળતાં જ ટીમે નડિયાદ પહોંચી ભાંગેડુ દંપતીને ઝડપી પાડ્યું હતું.બંને આરોપીઓને નડીયાદથી ભરૂચ લાવી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.