શહેરના ઠક્કરબાપા નગરમાં નવજાત ભ્રૂણને ત્યજી દેવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કર્યા વગર યુવતીએ પ્રેમી સાથે સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. યુવતીને સાતમો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે તેને અસહ્ય દુખાવો થતા તે બાથરૂમ કરવા માટે ગઈ હતી. જ્યાં તેને મીસ કેરેજ (અધૂરા માસે ડિલિવરી) થઈ જતા બાળક સીધુ કમોડમાં ઘૂસી ગયું હતું. યુવતીએ નવજાત બાળકને બહાર કાઢ્યુ હતું અને ચૂપચાપ પડોશના મકાનની છત પર મુકી દીધુ હતું. ગઈકાલે બાથરૂમની છત પર કાગડાઓનો જમાવડો થતા સમગ્ર હકિકત સામે આવી હતી. પોલીસે આ મામલે બાળક ત્યજી દેવા મામલે યુવતી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એસ.એમ. ચૌધરી અને તેમની ટીમ ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે પોલીસ કંટ્રોલરૂમથી નવજાત બાળક મળ્યું હોવાનો એક મેસેજ મળ્યો હતો. ઠક્કરબાપાનગર ખાતે આવેલા ભીલવાસમાં રહેતા પ્રદીપ મારવાડીએ પોલીસ કંટ્રોલરૂમમાં નવજાત બાળક અંગેની જાણ કરી હતી. મેસેજના આધારે પીએસઆઇ એસ.એમ. ઠાકોર અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે જઈને પોલીસે પ્રદીપ મારવાડીને મળી હતી અને તેમની પૂછપરછ કરી હતી. પ્રદીપ મારવાડીએ પોલીસને જણાવ્યું હતું કે, તે સવારે પોતાના ધંધાર્થે બહાર નીકળ્યા હતા ત્યારે તેમની દીકરી ઘરની સાફસફાઈ કરી હતી.
દરમિયાનમાં કાગડાઓ એકાએક ઉડતા હતા અને નીચેના માળે આવેલા બાથરૂમની છત પર બેસતા હતા. પ્રદીપની દીકરીને શંકા જતા તેણે કામકાજ પડતું મૂકીને અગાસીમાંથી નીચે જોયું હતું. બાથરૂમની છત પર નવજાત બાળક નાડ સાથે પડેલું જોવા મળ્યું હતું. જેથી તેણે પોતાના પિતા પ્રદીપ મારવાડીને જાણ કરી હતી. પ્રદીપ મારવાડી તુરંત જ તેના ઘરે પહોંચી ગયા હતા અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો.
પોલીસે બાથરૂમની છત પરથી મળી આવેલી નવજાત બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે, આ નવજાત બાળકને જન્મ મીના (નામ બદલ્યું છે)એ આપ્યો હતો. પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરનાર પ્રદીપ મારવાડીના પડોશમાં રહેનારને મીના ભાણી થાય છે. પોલીસે મીનાની પૂછપરછ કરતા બાળક તેનું હોવાની કબૂલાત કરી હતી. મીનાએ વધુમાં જણાવ્યુ હતું કે, તે ભરત ગઢવીને પ્રેમ કરે છે અને બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 25 ફેબ્રુઆરીના રોજ ભરતે તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા જેના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. મીનાને સાત માસનો ગર્ભ હતો અને તે તેના મામાના ઘરે રહેતી હતી.
મંગળવારની રાતે મીનાને પેટમાં અસહ્ય દુખાવો થતા તે બાથરૂમ કરવા માટે ટોઇલેટમાં ગઈ હતી. મીના જ્યારે કમોડ પર બાથરૂમ કરવા માટે બેઠી ત્યારે તેને એકાએક અધૂરા માસે ડિલિવરી થઈ ગઈ હતી. મીસ ડિલિવરી થતા જ બાળક સીધુ કમોડમાં ઘૂસી ગયું હતું. જેના કારણે ઈજા થઈ હતી. મીનાએ બાળકને બહાર કાઢ્યુ હતું. પરંતુ કોઈ હલનચલન નહીં થતા તે ગભરાઇ ગઈ હતી.
મીનાએ તુરંત જ નવજાત બાળકને બાથરૂમની સાઇડમાં મુકીને પોતાના રૂમમાં જતી રહી હતી. મોડીરાતે મીનાએ નવજાત બાળકને ઉંચકીને પડોશના મકાનમાં આવેલા બાથરૂમની છત પર મુકી દીધું હતું. મીના ચૂપચાપ ઘરમાં આવીને સુઈ ગઈ હતી. પરંતુ ગઇકાલે તેની હકિકત સામે આવી છે. પોલીસે મીના વિરૂદ્ધ નવજાત બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.