આ ઘટના ખેડા જિલ્લાની હદની છે, ટ્રક ચાલકને ટ્રકનો માલિક ચોરીના આરોપસર પહેલા અર્ધનગ્ન કર્યો હતો. ત્યારબાદ તેના હાથ બાંધ્યાં પછી કમર પટ્ટાથી અમાનુષી રીતે માર માર્યો હતો. શરીરના બધા ભાગે તેને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે, તે જમીન પર ઢળી પડ્યો હતો. જમીન પર ઢળી પડ્યા બાદ પણ માર મારનાર ટ્રક માલિક એટલો હિંસક બની ગયો હતો કે, તેને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. માર મારવાના કારણે ટ્રક ચાલક બેભાન થઈ ગયો હતો. ટ્રક માલિકને સ્થાનિક ટ્રક ડ્રાઇવરો શેઠ આવું ના કરો તેમ કહેવા છતાં પણ તે માન્યો નહોતો અને બેરહેમીપૂર્વક માર્યો હતો.
માર મારનારી વ્યક્તિનું નામ બલવંતસિંહ હોવાનું સામે આવ્યું છે. જેની પાસે 20થી વધારે ટ્રક છે અને આ વીડિયો અમદાવાદ ગ્રામ્યના અસલાલી વિસ્તારનો હોવાનું હાલ સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયા બાદ ભાજપના ગાંધીનગર કાર્યાલયથી ટ્રાન્સપોર્ટ અગ્રણી અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની ઓળખ આપી એક વ્યક્તિએ માર મારનાર બલવંતસિંહને ફોન કરી ધમકાવ્યો હતો. તમારી ઓફિસ ક્યાં છે અને તમે ડ્રાઇવરને માર માર્યો છે તેનું તમારી પાસે પ્રુફ છે? ત્યારે બલવંતસિંહે કહ્યું હતું કે, ગાડી ચોરી કરીને ભાગતો હતો ને તેનો વીડીયો પણ છે. તમારી હવે વાટ લાગી ગઈ છે તમે કેમ પોલીસને કે તંત્રને જાણ ના કરી?
અત્યંત બેરહેમીપૂર્વક ડ્રાઇવરને માર મારવામાં આવ્યો છે. આ મામલે સખત કાર્યવાહી થશે અને જો કાલ સુધીમાં આ મેટર પૂરી નહીં થાય તો કોઈપણ પોલીસ સ્ટેશન કે કોઈપણ જિલ્લાના એસપી તમને બચાવી નહીં શકે તેવી ધમકી પણ ફોન કરનાર વ્યક્તિએ આપી હતી. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ઇ-મેઇલ કરી ફરિયાદ કરવાનું કહ્યું હતું. આ મેટર દિલ્હી સુધી ગઈ છે અને આ મેટરને પૂરી કરો તેમ કહ્યું હતું. અત્યંત બેરહેમીપૂર્વક કોઈના દીકરાને તમે આ રીતે મારો યોગ્ય નથી. તમારી પાસે ચોરીના પૂરાવા હતા તો તમારે આ મામલે પોલીસને જાણ કરવાની જરૂર હતી.