
સોના અને ચાંદીના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. લગ્નગાળો શરૂ થતા જ શરાફા બજારમાં ખરીદી વધવાથી બુલિયન્સની કિંમતો પણ એકવાર ફરીથી ચડી ગઈ છે. વાયદા બજારમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. પરંતુ તેની પાછળ ડોલર ઈન્ડેક્સમાં નબળાઈ આવવી એ કારણ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 732 રૂપિયા ઉછળીને 75,540 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જે કાલે 74,808 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આજે 1,554 રૂપિયા ઉછળીને 90,843 રૂપિયાની સપાટીએ પહોંચી છે જે કાલે 89,289 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી.
ડોલર ઈન્ડેક્સમાં તેજી અટકવાથી કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 40 ડોલરની છલાંગ લગાવીને 2615 ડોલર પ્રતિ ઔંસ નજીક પહોંચ્યું હતું જ્યારે ચાંદી અઢી ટકા મજબૂત થઈ હતી. કાલે ઘરેલુ વાયદા બજારમાં સોનું 1000 રૂપિયા ચડીને 75,000 પર ઉપર તો ચાંદી 2000 રૂપિયાની તેજી સાથે 90,500 પાસે બંધ થઈ હતી.