Satya Tv News

આ વખતે નવેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર પવન, માવઠું, ભેજ અને ઠંડી અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેનું અંતર ઘટ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ ઘટ્યું છે. દિવસના તાપમાનમાં પણ થોડાક અંશે ઘટાડો નોંધાયો છે. જેથી આવનારા દિવસોમાં શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો ખેડૂત મિત્રો કરી શકે તેવું હવામાન થઈ ગયું છે.આ સાથે તેમણે જણાવ્યું છે કે, 25 નવેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી કોઈ શક્યતા નથી. 21મી તારીખ પછી દિવસનું તાપમાન હજુ નીચું આવે તેવી શક્યતા છે પરંતુ કોલ્ડવેવની શક્યતા નથી.

વાદળ અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે, કારતક મહિનામાં જે કાતરા થતા હોય છે તે હજી જોવા મળ્યા નથી અને અત્યારે કોઈ એવી શક્યતા પણ નથી. હાલ વાતાવરણ ચોખ્ખું રહેશે તેવી પ્રબળ શક્યતા છે. 25થી 30 નવેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.પવન અંગેની આગાહી આપતા તેમણે જણાવ્યું છે કે, આપણા માટે ઉત્તર પૂર્વના પવનો મહત્વના હોય છે અને હાલ એ જ પ્રકારના પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે, સૂકા ભૂર પવનો (ઉત્તરના પવનો) માટે આપણે 10 દિવસ જેવી રાહ જોવી પડી શકે છે. પવનની સ્પીડમાં આજથી સામાન્ય વધારો થશે. હાલ ઉત્તર પૂર્વના પવનો સેટ થઈ ગયા છે.

પરેશ ગોસ્વામીએ ભેજ અંગે જણાવ્યું કે, ભેજને કારણે આપણે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છીએ. જોકે, આમાંથી આપણને હવે રાહત મળશે. 22મી નવેમ્બરથી ભેજનું પ્રમાણ 55થી 60 પોઈન્ટ થઈ જાય તેવી શક્યતાઓ રહેલી છે. હાલ ઠંડીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે પરંતુ કોલ્ડ વેવની આગાહી નથી. ઝાકળ વર્ષાની પણ કોઈ આગાહી નથી. તાપમાન ધીમે ધીમે ઘટશે.

error: