એકનાથ શિંદેએ રાજભવન પહોંચીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યાં હતા.મહારાષ્ટ્રમાં ભાજપે સૌથી મોટી જીત મેળવી છે. 288 વિધાનસભા બેઠકમાંથી ભાજપે એકલા જ 132 બેઠક પર જીત મેળવી છે. એવામાં સાથી પક્ષ મુખ્યમંત્રી પદને લઇને મૌન છે પરંતુ તેમના ધારાસભ્ય માંગ કરી રહ્યાં છે કે મુખ્યમંત્રી તેમની પાર્ટીનો જ બને. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ કરી રહ્યાં છે તો શિવસેના નેતાઓનું કહેવું છે કે ચૂંટણી એકનાથ શિંદેના મુખ્યમંત્રી રહેતા જ લડવામાં આવી હતી માટે તેમને જ મુખ્યમંત્રી બનાવવા જોઇએ.
આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની જીત માટે મહત્ત્વની ભૂમિકા ભજવનારા નેતા વિનય સહસ્ત્રબુદ્ધેએ એક નિવેદનમાં કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં જનાદેશનું સન્માન કરાશે. મહારાષ્ટ્રની પ્રજાનો જનાદેશ ભાજપની તરફેણમાં છે. એટલે દેવેન્દ્ર ફડણવીસને નેતૃત્વ સોંપાયું છે. અમે કોઈ જ પક્ષના દબાણમાં નથી. ભાજપ કોઈના દબાણમાં આવે એમ નથી. ભાજપનું મોવડી મંડળ શિવસેના અને એનસીપી (અજિત જૂથ) સાથે મળીને એક મહાયુતિ સરકારની જાહેરાત કરશે.