
બેગમપુરા રહેમત મંજીલ ખાતે રહેતા 55 વર્ષીય ગુલામ ખ્વાજામીયા ઈસ્માઈલ શેખ આધાર કાર્ડ અને પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરતા હતા. પંદર દિવસ પહેલા તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન રવિવારે મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. તેમની પત્ની સમીરાબાનુંએ નોંધાવેેલી ફરીયાદ મુજબ કોરોનાના સમયમાં આર્થીક મુશ્કેલીના કારણે તેમના પતિએ બેગમપુરા તુલસી ફળીયામાં રહેતા વ્યાજખોર શાબીર ગુલામ મુસ્તફા શેખ પાસેથી રૂ. 1 લાખ વ્યાજે લીધા હતા. જેનું તેઓ દર મહીને 30 હજાર રૂપીયા વ્યાજ ચુકવતા હતા.
જોકે શાબીર વ્યાજ પર પણ વ્યાજ ચડાવી પઠાણી ઉઘરાણી કરતો હોવાથી તેને વ્યાજ ચુકવવા માટે તેમણે ઈબ્રાહીમ ચાચા નામના અન્ય વ્યાજ ખોર પાસેથી પણ વ્યાજે નાણા લીધા હતા. એક બાદ એક એમ બે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા બાદ બન્ને દ્વારા તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી કંટાળીને તેમણે ઝેરી દવા પી લીધી હતી. સમીરાબાનુની ફરીયાદના આધારે પોલીસે બન્ને વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.