સુરતમાં ડિંડોલીના ચેતન નગરમાં પાંચ વર્ષીય બાળકનું રમતા રમતા મોત નીપજ્યું હતું. ચેતન નગરમાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતાં. જ્યાં બાળકો રમી રહ્યા હતાં. રમતાં રમતાં એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડ્યું હતું. જેમાં બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત નીપજ્યું.
ઘટનાની જાણ થતા જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. હાલ ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ગુમાવી હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું.