અમદાવાદ ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર ઉપર તાજેતરમાં એક કારચાલકે વહેલી સવારે સાયકલિંગ માટે નીકળેલા લોકોને અડફેટે લીધા હતા.જેમાં ડોકટર પણ સામેલ હતા. ત્યારે લોકોમાં હવે જાગરૂકતા લાવવા વિવિધ સાયકલિંગ ગ્રુપ દ્વારા આજે અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સવારે 6.30 કલાકે ગોટીલા ગાર્ડનથી નીકળી હતી. જે વૈષ્ણોદેવી સર્કલથી યુ ટર્ન મારીને પકવાન ચાર રસ્તા પાસે સમાપ્ત થઈ હતી. આ રૂટ લગભગ 25 કિલોમીટર કરતાં વધુ લાંબો હતો. આ રેલીમાં 200 કરતા પણ વધુ અલગ અલગ ગ્રુપના સાયક્લિસ્ટ જોડાયા હતા. આ દરમિયાન સાયકલિસ્ટો સ્લોગન અને બેનર સાથે લોકોને જાગરૂક કરવા પ્રયત્ન કર્યો હતો.
આ રેલીમાં અમદાવાદના મુખ્ય 7 સાયકલિસ્ટ ગ્રુપે ભાગ લીધો હતો. જેમાં પેડલર્સ, ફ્રેન્ડ્સ સાયકલિંગ ક્લબ, ગ્રીન રાઇડર્સ, Bycs અમદાવાદ, 079 રાઇડર્સ, સાઈક્લોન સાયકલિંગ ક્લબ અને રોડ સોલ્જર્સ ગ્રૂપનો સમાવેશ થાય છે. રેલીમાં તમામે સેફ્ટી ગિયર પહેર્યો હતો. આ ઉપરાંત ચાલકે હેલ્મેટ, સાઇકલમાં આગળ અને પાછળ લાઈટ લગાવી હતી. આ રેલીનો ઉદ્દેશ્ય સાયકલિંગ માટે યોગ્ય સુવિધાઓની માંગ, માર્ગ સુરક્ષાના નિયમોનું કડક અમલીકરણ, સાયકલિંગ માટે માર્ગ આપવા જાગૃતિ ફેલાવવાનો છે.
2023ના ડેટાની વાત કરીએ તો હીટ એન્ડ રનમાં બેફામ ગાડી હંકારતા કારચાલકોના કારણે 25 સાયકલિસ્ટોના મોત થયા છે. જ્યારે ભારતભરમાં આજ રીતે બેફામ ગાડી હંકારી 3500 સાયકલિસ્ટોના મુત્યુ નિપજ્યા છે. 6500 જેટલા સાયકલીસ્ટ ગંભીર રીતે ઘાયલ થયા છે. આજે આ તમામ સાયકલીસ્ટ સરકારી ઓથોરિટી સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવાના છે. સાથે જ સાયકલીસ્ટો માટે અલગ રૂટ ફાળવી આપવા માટેની પણ માંગ કરશે.