ઝઘડિયા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર રેતીને લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી ક્રશરો તથા ભૂ માફિયાઓ વિરુદ્ધ અમારી પદયાત્રા હતી: ચૈતર વસાવા
પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન પરેશાન કર્યા નથી, ટ્રાફિકને પણ અડચણરૂપ બન્યા નથી: ચૈતર વસાવા
આદિવાસીઓનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે: ચૈતર વસાવા
અઠવાડિયામાં બે ત્રણ યુવાનોને આ રીતે કચડી નાખવામાં આવે છે. ત્યારે કેમ પોલીસ અધિકારીઓ આની એફઆઇઆર નથી કરતા?: ચૈતર વસાવા
પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય તેવા 35 વિડીયો મારી પાસે છે. હું હાલ જ એ વિડિયો તમને આપું છું, તમે એ લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરો: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ૩ ડિસેમ્બર મંગળવારના રોજ અમે રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડીયા સુધીની અમે પદયાત્રા યોજી હતી. ત્યારે રાજપારડીના પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે. અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ કે 30 નવેમ્બરે કલેકટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીની પણ પરવાનગી માંગી હતી. કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયના લીધે અમને પરવાનગી આપવામાં આવી ન હતી.
ત્યારે, ઝઘડિયા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર રેતીને લીઝો, સિલિકા પ્લાન્ટ અને કોરી ક્રશરો તથા ભૂ માફિયાઓ વિરુદ્ધ અમારી આ પદયાત્રા હતી. સારા રોડ રસ્તા બનાવવાની માંગ અને યુવાનોને રોજગારી આપવાની માંગ તથા જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે અને જમીન સંપાદનો ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી. આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન પરેશાન કર્યા નથી અને અમે કોઈપણ જગ્યાએ ટ્રાફિકને પણ અડચણરૂપ બન્યા નથી. છતાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા મારા પર ખોટી FIR કરવામાં આવી છે.
હું પી. આઇ ગોહિલ અને એસપીને હું કહેવા માંગીશ કે તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય તેવા 35 વિડીયો મારી પાસે છે. હું હાલ જ એ વિડિયો તમને આપું છું, તમે એ લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરો. તમે અમારા પર એફઆઇઆર કરીને અમારો અવાજ દબાવવાની કોશિશ કરી છે અને અમારો આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીઓનો અવાજ છે અને આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે. અમે કોઈ અધિકારીઓથી દબાઈ જઈશું નહીં. તમારી જેલો મોટી કરી દેજો કારણ કે ટૂંક જ સમયમાં અમે જેલ ભરો આંદોલન કરીશું.
આજે પણ એક મહિલાને ટ્રક દ્વારા કચેરી નાખવામાં આવી છે. અઠવાડિયામાં બે ત્રણ યુવાનોને આ રીતે કચડી નાખવામાં આવે છે. ત્યારે કેમ પોલીસ અધિકારીઓ આ વાતને ધ્યાનમાં નથી લેતા અને કેમ એફઆઇઆર નથી કરતા? અમે ભરૂચની જનતા સાથે છીએ, જે પણ ભુમાફિયા હશે કે ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે પોલીસ અધિકારી હશે અમે કોઈથી ડરવાના નથી. આવનાર દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છીએ.