Satya Tv News

સુરત શહેરમાં છેલ્લા 36 કલાકમાં તાવથી પાંચ લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક ચાર વર્ષની બાળકી અને દુલ્હન પણ સામેલ છે. છેલ્લા ત્રણ દિવસથી તાવમાં પીડાતી યુવતીએ પીઠીના દિવસે એકાએક બેભાન થયા બાદ દમ તોડતા પરિવાર માટે ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.તાવ અને ઝાડા-ઊલટીના કારણે થયેલા આ પાંચ મોતને ધ્યાને લઈ હવે આરોગ્ય વિભાગનો એપિડેમિક સેલ સક્રિય થયો છે. જેમાં અલગ-અલગ ટીમો બનાવીને મૃત્યુ પામનાર લોકોના અમરોલી, બમરોલી, પાંડેસરા સહિતના વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટીમ દરેક વિસ્તારમાં 150 ઘરોની તપાસ કરશે.

01
મૂળ મહુવાના વતની અને ગોડાદરાના મનીભદ્રા કોમ્પલેક્ષમાં રહેતા હકાભાઈ રાઠોડનું પરિવાર સમૂહલગ્ન માટે તૈયારીઓમાં વ્યસ્ત હતું. હકાભાઈની દીકરી કાજલના આજે (14 ડિસેમ્બર) આહિર સમાજ સેવા સમિતિ આયોજિત સમૂહલગ્નમાં લગ્ન થવાના હતા. આ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી કાજલ તાવથી પીડાઈ રહી હતી, જેમાં ગુરૂવારે પીઠીની વિધિના દિવસે કાજલની તબિયત વધુ ખરાબ થતાં ઝાડા અને ઊલટી શરૂ થયા હતા. આ સ્થિતિમાં પરિવારજનો તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જતા હતા, પરંતુ રસ્તામાં જ કાજલે દમ તોડ્યો હતો.

02
મૂળ અયોધ્યાના વતની અને પાંડેસરા ગીતાનગરમાં રહેતા માબનલાલ નિષાદની ચાર વર્ષની પુત્રી પ્રિયાંશુને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો હતો. વતનમાં સારવાર બાદ સુરત આવ્યા પછી બાળકીની તબિયત લથડતા ખાનગી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું, જ્યાં બાળકીનું મોત નીપજ્યું છે.

03
પાંડેસરાના આનંદ હોમ્સમાં રહેતી રીતુ શર્મા છેલ્લા કેટલાક દિવસથી ડેન્ગ્યુથી પીડાઈ રહી હતી. બુધવારે માતાએ તેને ઉઠાડવા પ્રયત્ન કર્યો, ત્યારે તે બેભાન હતી. જે બાદ પરિવારે 108 એમ્બ્યુલન્સ બોલાવતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હતી.

04
મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુરના વતની સુલેહ ઈદ્રીશી અમરોલીમાં રહી અને કાચ કટિંગ કારખાનામાં કામ કરતો હતો. જેમાં તાવના કારણે બુધવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું.

05
અમરોલી કોસાડ આવાસમાં રહેતા સંજય સોલંકીને તાવ અને શ્વાસની તકલીફ થતાં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.

error: