અંકલેશ્વરના હનુમાનજી મંદિર નજીક કાર ચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલાં બાઇકચાલકે પણ બ્રેક મારી હતી. આ સમયે પાછળથી પુરઝડપે આવતી ટ્રક ફરી વળતાં યુવાનનું ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ મોત થયું હતું. મૃતક યુવાનના 8 મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં અને તે પરિવારનો એક માત્ર દીકરો હતો.
અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા તેના મિત્રને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બંને મિત્રો બાઇક પર નોકરીએ જઇ રહયાં હતાં. હાંસોટના રામનગરમાં રહેતા 25 વર્ષીય આનંદ મિસ્ત્રી અને તેનો મિત્ર પ્રશાંત મિસ્ત્રી બાઈક પર વહેલી સવારે અંકલેશ્વર જીઆઇડીસી માં નોકરી જઈ રહ્યા હતા તે દરમિયાન હનુમાનજી મંદિર સામે બની રહેલા વિસ્ટેરીયા શોપિંગ સેન્ટર પાસે પસાર થતા તે દરમિયાન આગળ ચાલતી કાર એ અચાનક બ્રેક મારતા બાઈક ચલાવી રહેલા પ્રશાંત મિસ્ત્રી એ પણ બ્રેક મારી હતી. તે દરમિયાન અંકલેશ્વર થી હાંસોટ તરફ પૂરઝડપે જતી ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારતા બે યુવાનો માર્ગ પર પટકાયા હતા. આ અકસ્માતમાં આનંદ મિસ્ત્રીને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પ્રશાંત મિસ્ત્રીને પગના ભાગે ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તો બીજી તરફ એ ડિવિઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસે મૃતક આનંદ મિસ્ત્રી ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.