ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં મકાનની કાચી દિવાલ ધરાશાયી થતાં મકાન માલિકના એકના એક 6 વર્ષીય દીકરાનું મોત થયું છે. મકાન માલિક બાજુમાં નવું ઘર બનાવી રહયાં હોવાથી બીમ ભરવામાં આવ્યો હતો. બીમ પર પાણી છાંટવાથી જમીન પોચી થઇ જતાં કાચી દિવાલ તુટી પડી હતી અને તેનો કાટમાળ ત્યાં રમી રહેલાં તેમના બાળક પર પડતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. વણાકપોર ગામમાં રહેતાં અને ખેતી કરતાં ભાવિક પટેલ તેમના હાલના મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહયાં છે. નવા મકાનનો બીમ ભરવામાં આવ્યાં બાદ તેમણે પાણીનો છંટકાવ કર્યો હતો. પાણીના કારણે જમીન પોચી બની જતાં જુના મકાનની દિવાલ અચાનક તુટી પડી હતી. દિવાલનો કાટમાળ નજીકમાં રમી રહેલાં તેમના 6 વર્ષીય દિકરા ક્રિશવ પર પડયો હતો. કાટમાળ પડવાથી તેને ગંભીર ઇજા પહોંચી હતી અને તે દિવાલની નીચે દબાઇ ગયો હતો. આસપાસથી દોડી આવેલાં લોકોએ તેને બહાર કાઢી સારવાર માટે ખસેડયો હતો પણ તેનું મોત થઇ ગયું હતું. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર ક્રિશવ પરિવારનો એકનો એક દિકરો હતો. એકના એક દિકરાના મોતના પગલે ગામમાં માતમ ફેલાયો છે.