અમદાવાદની વટવાની આશીર્વાદ હિન્દી મીડિયમ શાળાએ બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પાસેથી 800 રૂપિયા ફી ઉઘરાવતા DEOએ નોટિસ ફટકારી છે. પ્રાથમિક વિગતો મુજબ વિદ્યાર્થીનીઓ પાસેથી બોર્ડની ફી માટે 800 રૂપિયા ઉઘરાવતા વાલીઓએ ફરિયાદ કરી હતી. આ તરફ વાલીઓની ફરિયાદને આધારે નોટિસ ફટકારી વિદ્યાર્થીનીઓને ફી પરત DEOએ આદેશ કર્યો હતો. નોંધનિય છે કે, રાજ્ય સરકારે બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને ફી માંથી મુક્તિ અપાઈ છે.આશીર્વાદ હિન્દી મીડિયમ શાળા આચાર્ય યુ આર પાંડેએ કહ્યું કે, કલાસ શિક્ષક દ્વારા ભૂલથી ફી લેવામાં આવી હતી. આ સાથે શાળાના આચાર્ય દ્વારા ભૂલ સ્વીકારી કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. આ તરફ તેમણે કહ્યું કે, ડાયરેકટર સાથે ચર્ચા કરી શિક્ષક સામે પગલાં લેવા કે નહીં તે નક્કી કરાશે. જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ કહ્યું છે કે, જો કોઈ શાળા બોર્ડની ફી માટે વિદ્યાર્થીનીઓ પાસેથી ફી લેતી હોય તો DEO કચેરીએ જાણ કરવી. આ સાથે તેમણે કહ્યું કે, વિદ્યાર્થીનીઓ પાસેથી શાળાઓ બોર્ડની ફી ઉઘરાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.