સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ (ઉં.વ. 60) અંદાજે 100 ફૂટ જેટલા ઢસેડ્યાં હતાં. દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરનાં ચીથરાં ઊડી ગયાં હતાં અને ઘટનાસ્થળે જ તેઓનું કમક્માટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતે મોતને ભેટનાર દંપતી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ટ્રક ડ્રાઇવરે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને I ડિવિઝન પોલીસ સ્થળે દોડી ગઈ હતી. અકસ્માત બાદ ચાલક ટ્રકને સ્થળે મુકીને ફરાર થઈ ગયો હતો.