હિન્દુવાદી સંગઠનો અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ, મંદિર તોડીને બનાવાઇ હોવાનો દાવો કરી રહ્યાં છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઇમેજ બિનસાંપ્રદાયીક બનાવવા આતુર છે. અજમેરના ગરીબ નવાઝ હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં 813મો ઉર્સ શરૂ થઇ ગયો છે. અહીં દર વર્ષે PM મોદી તરફથી ચાદર ચઢાવવામાં આવે છે. આ વખતે પણ 4 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાદર અજમેર શરીફ દરગાહમાં મજાર પર ચઢાવવામાં આવશે. પીએમ મોદીની તરફથી 11મી વખત આ ચાદર ચઢાવવામાં આવી રહી છે.
એક વર્ષ પહેલા પણ નરેન્દ્રમોદીએ અજમેર શરીફની દરગાહ પર ચાદર ચઢાવવા મોકલી હતી. દરગાહ બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી તરફથી શનિવારે દરગાહ પર ચાદર ચઢાવવામાં આવશે. લઘુમતિ બાબતોના મંત્રી કિરણ રીજીજુ અને ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકી ચાદર લઇને અજમેર જશે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, દરગાહ પર ચાદર ચઢાવીને નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુવાદીઓને સંદેશો પહોંચાડવા માંગે છે કે, તેઓ એમની વિચારધારા સાથે સહમત થતા નથી. હિન્દુવાદી સંગઠનો સાથે મોદી અંતર વધારી રહ્યા છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં બીજી ચર્ચા એવીય છે કે દેશમાં મસ્જિદો પર હિન્દુ સંગઠનોના દાવા વધ્યા હોવાથી મોદીને ઇસ્લામિક દેશોનું આડકતરૂં દબાણ વધ્યું હતું. એના કારણે સંબંધો જાળવી રાખવા માટે મોદીએ આ પ્રયાસ કર્યો છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે પીએમ મોદી તરફથી ચાદર ચઢાવવા પર કટાક્ષ કરવામાં આવ્યો છે. AAPના મંત્રીએ કહ્યું કે હવે શું હવે ભાજપ બદલાઇ રહ્યું છે? પહેલા દિલ્હીમાં ઇમામોના પગારની માંગ કરી રહ્યાં હતા હવે દરગાહમાં ચાદર ચઢાવી રહ્યાં છે.