કોલ્હાપુર જિલ્લાના કસ્બા બાવડા ગામના 65 વર્ષના પાંડુરંગ ઉલ્પે નામના વારકરી સંપ્રદાયના વૃદ્ધજનને ગઈ 16મી ડિસેમ્બરે હાર્ટઅટેક આવતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને તપાસીને મૃત ઘોષિત કર્યા હતા. આથી હોસ્પિટલમાંથી તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી.મૃતકના ઘરે અંતિમવિધિની તૈયારી શરૂ થઈ ગઈ હતી. અને પરિવારજનો રોકકળ કરવા માંડયા હતા. જોકે, થોડા સમયમાં જ પરિસ્થિતિઅ અકલ્પનીય વળાંક લીધો હતો.
મૃતદેહને અમે હોસ્પિટલથી ઘર તરફ લઈ જતા હતા ત્યારે સ્પીડ બ્રેકર આવતા એમ્બ્યુલન્સ ઉછળી હતી. ઉછાળાની સાથે જ મારા પતિના જીવમાં જીવ આવ્યો હતો અને આંગળીઓનું હલનચલન કરવા માંડયા હતા. તરત જ એમ્બ્યુલન્સ બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.બીજી હોસ્પિટલમાં આ સિનિયર સિટીઝનને 15 દિવસ રાખવામાં આવ્યા એ દરમિયાન હાર્ટની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. પખવાડિયાની સારવાર બાદ સાજાનરવા થઈ વિઠોબાના ભક્ત પાંડુરંગ ઉલ્પે ઘરે પાછા ફર્યા ત્યારે ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.