આજે સવારે 5.30 થી 6 વાગ્યાના અરસામાં ભુજ તાલુકાના કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની એક 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ છે. સ્થાનિક લોકોએ પ્રથમ બચાવ કાર્ય કર્યા બાદ સવારના પોણા નવે તંત્રમાં જાણ કરતાં હાલ વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને યુવતીના બચાવ કાર્ય માટે ભુજ ફાયર વિભાગની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ કામે લાગી છે.જોકે, ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ મળતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.યુવતીના બચાવ માટે પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.