ચીનના તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપના કારણે 53 લોકોનાં મોત થયાં છે, જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆ અનુસાર, સવારે 9.05 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકા ભારત સુધી અનુભવાયા હતા. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. આ ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂતાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. હાલમાં ભારતમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
તિબેટમાં આવેલા ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સરકારી મીડિયાએ જણાવ્યું કે પડોશી નેપાળની રાજધાની કાઠમંડુ અને ભારતના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચીનના સ્ટેટ બ્રોડકાસ્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ભૂકંપ બાદ ખંડેરમાં વિખરાયેલાં મકાનો, તૂટેલી દીવાલો અને કાટમાળ જોવા મળે છે.