11 જાન્યુઆરી વહેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બેટ દ્વારકા નજીક બાલાપર ખાતે આશરે 250 જેટલાં આસામીઓને નોટિસ આપ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પણ પોલીસ તંત્ર હાઇ એલર્ટ પર કામ કરી રહ્યું છે. જિલ્લાના પોલીસવડા નિતેશ પાંડેની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. આ સિવાય ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ જિલ્લાભરમાંથી પી.આઈ., પી.એસ.આઈ ઉપરાતં એસ.આર.પી અને મહિલા પોલીસ સહિત 1 હજાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ સિવાય આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જે માટે ડ્રોન કેમેરા તેમજ સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે. જ્યાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેની આસપાસ પોલીસે સંપૂર્ણ કોર્ડન કરી દીધું છે.