સાસુના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર વહુએ ફોન કરતા ગઠિયાએ ગેસ બિલ ભરાયું છે, પરંતું સિસ્ટમમાં અપડેટ નથી થયું તેમ કહી વડોદરા ગેસ લીમીટેડની એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ વહુના ખાતામાંથી રૂા.1.49 લાખ ઉપાડી લેનારા ગઠિયા સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. માંજલપુરની સરસ્વતી સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રિયંકા હિતેશ પવારના સાસુ રોહિણીબેનના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં શું લખ્યું છે તે જાણવા રોહિણીબેને પોતાની વહુ પ્રિયંકાને કહ્યું.
પ્રિયંકાબેને જે નંબર પરથી મેસેજ આવ્યો હતો તેમાં ફોન કરતા સામેથી જણાવ્યું હતું કે, તમે જે ગેસ બીલ ભર્યું તે સિસ્ટમાં દેખાતું નથી. વીજીએલ એપ ડાઉનલોડ કરો. પ્રિયંકાબેને મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવાની કોશીષ કરી પરંતું તે એપ ડાઉનલોડ થઈ ન હતી, જેથી તેમને ઓફિસના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી બીજી બાજુ ફોન ચાલુ રાખ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પહેલા રૂા.200 ટ્રાન્સફર કરાવ્યા હતાં.પોણા કલાક બાદ પ્રિયંકાબેનના મોબાઈલમાંથી રૂા.1.49 લાખ ખાતામાંથી ઉપડી ગયા હોવાનો મસેજ આવ્યો હતો. તેમણે અજાણ્યા નંબર પર ફોન કરતા સ્વિચ હતો. તેમણે 1930 પર ફોન કરી અરજી આપ્યા બાદ માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.