Satya Tv News

રાજકોટના સોખડા ગામ ખાતે 22 જાન્યુઆરી 2025 બુધવારના રોજ સાંજના સમયે 34 વર્ષીય પરિણીતા વર્ષા ગોરીયા પર ગામના જ પ્રકાશ સરવૈયા નામના વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે એસિડ એટેકની ભોગ બનનાર વર્ષા ગોરીયા દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશ સરવૈયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વર્ષા ગોરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાની કાકાની દીકરી એટલે પોતાની કૌટુંબિક બહેન પારસની સગાઈ તેણે આરોપી પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી. પરંતુ સગાઈ બાદ પારસ કોઈ અન્ય યુવાન સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતાં તે વાત પ્રકાશને પસંદ નહોતી પડી. પ્રકાશને પારસ કયા છે? પારસનું સરનામું શું છે તે સહિતની વિગતો તેને જણાવી હતી. જે બાબતે તે વર્ષા ગોરીયાને પૂછતો હતો પરંતુ વર્ષા ગોરીયા જાણતી હોવા છતાં પારસ વિશે કશી વિગત જણાવી નથી રહી તેવી શંકા કુશંકા પ્રકાશ દ્વારા વર્ષા પર કરવામાં આવી હતી.

બુધવારના રોજ સોખડા ગામ ખાતે આવેલા વર્ષા ગોરીયાના ઘર ખાતે આરોપી પ્રકાશ સરવૈયા પહોંચ્યો હતો. તેમજ પોતાની સાથે સ્ટીલની બરણીમાં એસિડ ભરીને પહોંચ્યો હતો. ત્યારબાદ તેના દ્વારા વર્ષા પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જેના કારણે વર્ષાના માથાના ભાગે, છાતીના ભાગે, સાથળ અને વાંસા સહિતના ભાગે એસિડ ઉડતા ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બનાવની જાણ કુવાડવા રોડ પોલીસને થતા પોલીસ દ્વારા ભોગ બનનાર વર્ષાનું નિવેદન નોંધી તેના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમ દ્વારા આરોપી પ્રકાશની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

error: