30 જાન્યુઆરી, 2025 થી 2 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાનારી દિલ્હી અને રેલવે વચ્ચેની મેચ માટે પ્રેક્ટિસ સેશન મંગળવારથી શરૂ થશે. વિરાટ કોહલી પણ તે જ દિવસે ટીમ સાથે જોડાશે અને અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરશે. રેલવે સામેની મેચ પહેલા દિલ્હીએ સૌરાષ્ટ્ર સામે મેચ રમી હતી, જેમાં કોહલી ઈજાના કારણે રમી શક્યો ન હતો. આ દરમિયાન તે મુંબઈમાં પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ત્યારે લાંબાગાળા બાદ વિરાટ કોહલી 4472 દિવસ પછી રણજી રમતો જોવા મળશે.
વિરાટ કોહલીએ તેની છેલ્લી રણજી મેચ વર્ષ 2012-13માં રમી હતી. જે બાદ તે આ પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પ્રથમ વખત જોવા મળશે. દિલ્હી રણજી ટ્રોફીમાં રેલવે સામે ટકરાશે. વિરાટ કોહલીની આ 24મી રણજી મેચ હશે. આ પહેલા રમાયેલી 23 મેચોમાં તેણે 5 સદી અને 50થી વધુની એવરેજ સાથે 1547 રન બનાવ્યા છે.મેચના એક દિવસ પહેલા દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ કહ્યું હું IPLમાં વિરાટ ભૈયા સામે રમ્યો છું, તે સન્માનની વાત છે કે મેં સતત બે મેચમાં રિષભ અને વિરાટ ભૈયાની આગેવાની કરી છે. તેણે એમ પણ કહ્યું કે વિરાટ ભૈયા જ્યાં ઇચ્છે ત્યાં મેદાનમાં ઉતરી શકે છે.