બંગાળના હાવડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ તેના પતિને કિડની વેચવા માટે તૈયાર કર્યો અને પછી કિડનીના બદલામાં મળેલા પૈસા લઈને પ્રેમી સાથે ભાગી ગઈ. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. વ્યક્તિના પરિવારે આ અંગે સાંકરાઈલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં કહેવાયું છે કે તેની પત્ની છેલ્લા એક વર્ષથી પતિ પર કિડની વેચવા માટે દબાણ કરી રહી હતી. તેણે એવો તર્ક આપ્યો કે તેનાથી તે ઘરની આર્થિક સ્થિતિ સુધારી શકે છે અને 12 વર્ષની દીકરીને સારી સ્કૂલમાં એડમિશન અપાવી શકે છે. પત્નીની વાતોમાં આવીને પતિએ કિડની વેચવાનો નિર્ણય લીધો.
મહિલાએ એક ખરીદાર પાસેથી 10 લાખ રૂપિયામાં ડીલ નક્કી કરી અને પતિનું ગત મહિને ઓપરેશન કરવામાં આવ્યું. કિડની વેચ્યા બાદ જ્યારે પતિ ઘરે પાછો ફર્યો તો તેની પત્નીએ તેને આરામ કરવાની અને બહાર ન જવાી સલાહ આપી જેથી કરીને જલદી સ્વસ્થ થઈ શકે. પરંતુ થોડા દિવસ બાદ પત્ની અચાનક ઘરમાંથી ગાયબ થઈ ગઈ. જ્યારે પતિએ ઘરની તલાશી લીધી તો જાણવા મળ્યું કે કબાટમાંથી 10 લાખ રૂપિયાની રકમ અને કેટલાક વધુ પૈસા પણ ગાયબ હતા. પરિવાર અને મિત્રોની મદદથી શોધખોળ આચર્યા બાદ પતિને જાણવા મળ્યું કે તેની પત્ની કોલકાતાના બરાકપોર વિસ્તારમાં એક અન્ય વ્યક્તિ સાથે રહે છે. ફરિયાદમાં એમ પણ કહેવાયું કે તે છેલ્લા એક વર્ષથી ફેસબુક પર મળેલા પ્રેમી સાથે સંબંધમાં હતી અને તેની સાથે ભાગી ગઈ.