સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દુર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પોસ્મોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ અમરોલી પોલીસે દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાજ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. જેથી પરિવારે માસૂમ દીકરા કેદારની અંતિમયાત્રા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ અંતિમ યાત્રામાં પરિવારના રૂદનથી શોકમય માહોલ સર્જાયો હતો.
પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 5 ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે હું કતારગામ ખાતે મારી કડીયાકામની મજૂરી કરવા ગયો હતો. ત્યારે મારી પત્નીનો મારા મોબાઈલમાં ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, હેવન એન્કલેવની બાજુમાં બુધવારી ભરાતી માર્કેટ આગળ આપણો કેદાર ગટરમાં પડી ગયો છે. જેથી હું તરત જ કામ પરથી નીકળી ગયો અને આશરે પોણા છએક વાગ્યે હું હેવન એન્કલેવ પહોંચ્યો હતો. આ સમયે ત્યાં ફાયર બ્રિગેડના માણસો અને મારી પત્ની, મારી બહેન નીલાબેન દિનેશભાઈ જોગીયા સહિતના હાજર હતા અને માણસોનું ટોળું ભેગુ થઈ ગયું હતુ.