Satya Tv News

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ટાઈમ ટેક્નો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાત્રે ચાર વાગ્યાના અરસામાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને ફાયર વિભાગની 12 ગાડીઓએ નવ કલાકની જહેમત બાદ માંડ માંડ કાબૂમાં લીધી હતી.આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં આસપાસના વિસ્તારમાંથી કુલ 12 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જંબુસર મામલતદાર એન.એસ.વસાવાએ જણાવ્યું હતું કે, લગભગ મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં આગ લાગી હતી. બેરલ બનાવવાની કંપની છે, પ્લાસ્ટિકનું મટીરિયલ હતું. નજીકની કંપનીઓના ફાયર ફાઇટરોની મદદ લીધી હતી. પોલીસ ટીમ અને મેડિકલ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ કંપનીને મોટું નુકસાન છે.

error: