
થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં. આ જ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024ના ઉમેરા સાથે પરિપત્ર કરેલ કે જે વિદ્યાર્થી વેકન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે. આ નિર્ણયને કારણે આદિજાતિ સમાજના 50,000 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત છે. જે નિર્ણયના પગલે આજે ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક જગ્યાએ ABVP દ્વારા SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ-રસ્તા ચક્કાજામ કરી, પૂંતળું બાળી, સુત્રોચ્ચાર કરી સરકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
સુરતમાં ABVPના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આજે યૂનિવર્સિટીની બહાર એકઠા થયા. “વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો”, “શિક્ષણ અમારો અધિકાર છે”, “જનજાતી શિષ્યવૃત્તિ પાછી લાવો” જેવા ઉગ્ર સૂત્રોચાર સાથે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો. માત્ર સૂત્રોચાર જ નહીં રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ પણ કર્યું.