Satya Tv News

અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી છે. 14 ફેબ્રુઆરીએ ઉકાઈ યોજનાની નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠલવાયું હતું. કેમિકલની તીવ્રતાથી નહેરમાં માછલીઓ મૃત્યુ પામી હતી અને પાણીનો રંગ બદલાઈ ગયો હતો. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે 150થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ એક સંદિગ્ધ આઇસર ટેમ્પો શોધી કાઢ્યો. ટેમ્પો ચાલક મોહંમદ શમીઉદ્દીન શેખની પૂછપરછમાં વચેટિયા લુકમાન ઈદ્રિશીનું નામ ખૂલ્યું. તપાસમાં જાણવા મળ્યું કે અંકલેશ્વર જીઆઇડીસીની ક્યુ.વી.લેબ પ્રાઈવેટ લિમિટેડમાંથી 25 લીટરના 200 ડ્રમ રસાયણિક પાણી લવાયું હતું. પોલીસે કંપનીના સંચાલકો કૃપેશ પટેલ, ચિંતન ચૌહાણ અને વેદાંત શાહની ધરપકડ કરી છે. કેમિકલ નિકાલનો કોન્ટ્રાક્ટ ધરાવતા અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કરાયો છે. આ કેસમાં અપરાધ માનવ વધનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

error: