
સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે 9.21 કલાકે લાઇબ્રેરીમાં એસી મા બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતા આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા.
સુરત ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ઘાંસીશેરી કતારગામ અને કાપોદરાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્રણ ફાયર સ્ટેશનની છ થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગ લાગી હોવાની જાણ થતા જ સ્કૂલન સંચાલકો દ્વારા સ્કૂલમાં બાળકોને રજા પણ આપી દેવામાં આવી હતી. આ સાથે જ નજીકમાં જ રહેતા વાલીઓને જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા
સરસ્વતી વિદ્યાલય ની લાઇબ્રેરી બંધ હાલતમાં હતી. આજે નવા લાયબ્રેરીયન આવતા તેમને બતાવવા માટે લાઇબ્રેરી ખોલીને એસીની સ્વીચ શરૂ કરતાં જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. સ્કૂલમાં રહેલા એન્સ્ટિગ્યુસરથી આ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી હતી. ફાયર વિભાગે સ્કૂલમાં રહેલી ફાયર સેફ્ટીની પણ તપાસ કરી હતી. જેમાં ફાયર સેફ્ટી ચાલુ હોવાનું સામે આવ્યું હતું. જોકે તપાસ ચાલુ હોવાથી આજે સ્કૂલ બંધ રહેશે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ નિર્ણય લેવાશે.