ગોંડલના સહજાનંદ નગર ગરબી ચોક પાસે આજે સવારે 7 વાગ્યે રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં પતિ-પત્ની અને વૃદ્ઘ માતા દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાવમાં એક મહિલાનું મોત થયું છે.આ બનાવમાં સુનિલભાઈ વરધાણી, તેમનાં પત્ની ઉષાબેન વરધાણી તેમજ તેમની માતા મિતાબેન વરધાણી કાટમાળમાં દબાયાં હતાં. મકાન ધડાકાભેર તૂટી પડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સાથે એક JCB, ક્રેઇન, એમ્બ્યુલન્સ સાથે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
રેસ્ક્યૂ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે. જેમાં કાટમાળમાંથી ઉષાબેન વરધાણીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં છે. તેમના સાસુ મિતાબેન વરધાણીને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે કાટમાળમાં દબાયેલા સુનિલભાઈ વરધાણી મકાનના બીમ નીચે ફસાયા હોવાથી તેમનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ગોંડલના ધારાસભ્યના ગીતાબાનો પુત્ર જ્યોર્તિરાદિત્ય સિંહ જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.