અંકલેશ્વરમાં મધરાતે એક ચાની કેબિનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક આવેલી આ ચાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આખી કેબિન આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. મુખ્ય માર્ગની બાજુમાં આવેલી કેબિનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિશેષ ચિંતાનો વિષય એ હતો કે આ કેબિનની નજીકમાં પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશન આવેલાં છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.