સુરતની શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં અનેક રાજસ્થાની વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. માર્કેટમાં લાગેલી આગથી થયેલા આર્થિક નુકસાનને પગલે રાજસ્થાની વેપારીઓ એકત્રિત થયા છે. સમાજના આગેવાનો અને વેપારીઓએ એકત્રિત થઈને એકબીજાનું દુઃખ હળવું કરવાનું શરૂ કર્યું છે. આકરી પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપી, આગામી દિવસોમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો? તે અંગે ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ દુર્ઘટનાના કારણે રાજસ્થાન યુવક મંડળ દ્વારા જે હોળીનો ભવ્ય કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવતો હોય છે, તેને રદ કરી દેવામાં આવ્યો છે.
પોતાની દુકાનની અંદર ગયેલા વિનોદકુમાર ચૌધરીએ જણાવ્યું કે, આજે મંજૂરી મળતા અમે માર્કેટની અંદર અમારી દુકાન જોવા માટે ગયા હતા. દુકાનના માત્ર પીલર જ જોવા મળ્યા. આખેઆખી ઓફિસ બળીને ખાક થઈ ગઈ. અમારો લાખ રૂપિયાનો માલ સામાન બળીને રાખ થઈ ગયો. અમારી અત્યાર સુધીની પૂંજી જાણે બળી ગઈ હોય એવો અનુભવ થયો. ક્યાં જઈએ કોને કહીએ તે પણ સમજાતું નથી. પરત લાવવા માટે ફક્ત રાખ બચી હતી.
અન્ય વેપારી મોતીલાલ ચૌધરીએ જણાવ્યું કે, વેપારીઓ પર જે મુશ્કેલી આવી પડી છે, તેમાં ગુજરાત સરકાર, રાજસ્થાન સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક અસરથી વેપારીઓને આર્થિક રીતે સહાય આપે તે ખૂબ જ જરૂરી છે. અમે બધા રોડ પર આવી ગયા છીએ. ફક્ત એટલું જ નહીં પણ અનેક લોકો બેરોજગાર પણ થઈ ગયા છે. વેપારીઓ ચારેય તરફ આશા રાખીને બેઠા છે. અમારી માનસિક સ્થિતિ સારી નથી એટલા માટે અમને ઝડપથી સહાય મળવી જોઈએ.