
ભરૂચ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ એક મોટી દુર્ઘટના સામે આવી છે. સ્ટેશન રોડ પર આવેલા બોમ્બે શોપિંગ સેન્ટર નજીક ગઈકાલે રાત્રે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. દુર્ભાગ્યે તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલો એક બાઇક સવાર વૃક્ષ નીચે દબાઈ ગયો હતો.સ્થાનિક લોકોએ તરત જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી ઘટના સ્થળે પહોંચી વૃક્ષ નીચે દબાયેલા યુવકને બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ફાયર વિભાગની ટીમે વૃક્ષની ડાળીઓ કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો, જેથી વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ શક્યો હતો. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ચિંતા ઉભી કરી છે. સ્ટેશન રોડ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે.જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકી હોત. સ્થાનિક લોકોએ નગરપાલિકા પાસે જોખમી વૃક્ષોને ઓળખી તેમને કાપવાની માંગણી કરી છે. સામાન્ય રીતે ચોમાસામાં વૃક્ષો પડવાની ઘટનાઓ બને છે, પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ આવી ઘટના બનવી ચિંતાજનક છે.