
તાલુકાની 46 ગ્રામ પંચાયત માંથી 18,792 નવા લાભાર્થીઓની અરજી નોંધાઈ
અંતરિયાળ વિસ્તારમાં આવેલા એવા સુકવાલ પંચાયત માંથી સૌથી વધુ 1390 અરજી નોંધાઈ
નર્મદા: ડેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરવિહોણા લોકો માટે નવો સર્વે પૂર્ણ થયો છે. ડેડીયાપાડા તાલુકાની 46 ગ્રામ પંચાયતનાં વિવિધ ગામોમાં થયેલા સર્વેમાં 18,792 નવા લાભાર્થીઓની અરજી નોંધાઈ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા કાચું મકાન ધરાવતા ગરીબ લોકોને પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. ડેડીયાપાડા તાલુકામાં સર્વે માટે દરેક પંચાયત માટે અલગ ટીમ બનાવવામાં આવી હતી. તેમજ દરેક ગામમાં એક સર્વેયરની નિમણૂક કરવામાં આવી હતી. સર્વેયરોએ લાભાર્થીઓના આધાર કાર્ડ, બેંક પાસબુક, રાશનકાર્ડ અને જોબ કાર્ડની વિગતો મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધી હતી. સર્વેમાં સર્વેયર દ્વારા ઓનલાઈન લાભાર્થી ના ઘરનો ફોટો જોબકાર્ડ, આધાર કાર્ડ સહિતની માહિતી મેળવી અપલોડ કરી હતી.
આમ સર્વે દરમિયાન સર્વેયરો એ ઘરે ઘરે ફરીને તાલુકામાંથી કુલ 18,792 લાભાર્થીઓનું સર્વે કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા એવા સુકવાલ ગ્રામ પંચાયતમાંથી સૌથી વધુ 1390 આવાસોની અરજી નોંધાઈ છે. તેમજ સામોટ ગ્રામ પંચાયતમાં 1256 અરજીઓ નોંધાઈ છે.
આ તમામ લાભાર્થીઓના પુરાવા ની સિસ્ટમ તપાસ કરશે અને બેંક એકાઉન્ટની માહિતી લેવામાં આવશે, અને ત્યારબાદ પીએમ આવાસ નો લાભ લાભાર્થીઓના ખાતામાં આપવામાં આવશે.આ સર્વેથી PM આવાસથી વંચિત રહી ગયેલા લોકોને પાકું આવાસ મેળવવાની નવી તક મળશે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડીયાપાડા