ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરીની ઘટના સામે આવી છે. એસએચકે સ્માર્ટ ટેક મોબાઈલ શોપના દુકાન નંબર 13માં ગત મોડી રાત્રે તસ્કરે પ્રવેશ કર્યો હતો. તસ્કરે શટરનું તાળું તોડ્યું અને કાચનો દરવાજો તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી લેપટોપ, સ્માર્ટ વોચ સહિત એક લાખ રૂપિયાથી વધુની કિંમતનો માલ ચોરી કર્યો હતો. સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.દુકાનના માલિક સતારભાઈએ જણાવ્યું કે આ વિસ્તારમાં અગાઉ પણ આજુબાજુના શોપિંગ સેન્ટરોમાં ચોરીની ઘટનાઓ બની છે. પરંતુ ચોર પકડાયો નથી. તેમણે પોલીસને આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં લેવા વિનંતી કરી છે. એ ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી લીધો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.