વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો છે. સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર-506માં આગ લાગતાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા. મૃતક સૂતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. તે રૂમમાં એસી પણ હતું. આ આગ કયા કારણોસર લાગી છે તે કારણ હજુ જાણી શકાયું નથી. મૃતક રિલાયન્સ કંપની હાલોલમાં વર્કર તરીકે કાર્યરત હતા. મૃતકની પત્ની નોકરી જતાં રહ્યાં એની 10 મિનિટ બાદ આ દુર્ઘટના બની હતી. દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા. આ આગના બનાવમાં બેડમાં જ યુવક ભડથું થઈ ગયો હોય તેવું નજરે પડ્યું હતું. આ બનાવમાં એફએસએલ ટીમે બેડરૂમમાં અને ઘરમાં વિવિધ શકાસ્પદ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું કારણ ગેસ લીકેજ છે કે કેમ તે જાણવા એજન્સીના કર્મચારીને પણ બોલાવવામાં આવ્યા છે. આ બનાવમાં મૃતદેહની એફએસએલ તપાસ બાદ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવશે.
આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળે બાપોદ પોલીસ અને એફએસએલની ટીમ કામ કરી રહી છે અને આ આગ કયા કારણોસર લાગી તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે.આ આગના બનાવમાં આસપાસના લોકોને જાણ થતા જ તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી હતી. જેથી પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી આગ આસપાસના મકાનમાં પ્રસરતા રહી ગઈ અને મોટી જાનહાનિ ટળી હતી.