
દિવાળી અને છઠપૂજા પહેલાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિસા તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળે છે, પરંતુ આ વખતે બિહારમાં ચૂંટણી હોવાથી દર વર્ષ કરતાં વધુ ભીડ જોવા મળી રહી છે. હવે દિવાળીને ગણતરીના દિવસ બાકી છે. જેથી ઉત્તરપ્રદેશ, બિહાર તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેથી ઉધના રેલ્વે સ્ટેશન બહાર ટ્રેનમાં બેસવા માટે પરપ્રાંતીયોની એક કિમી લાંબી લાઇન લાગી છે. સવારથી બપોર સુધીમાં 4 ટ્રેનમાં બેસવા 6 હજારથી વધુ મુસાફરો રેલવે સ્ટેશન પહોંચી ગયા છે.
સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે. તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે જોડાવા નીકળતા, રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટ્યો છે. મુસાફરોની આ જંગી ભીડને કારણે સ્ટેશન પર એક કિમી લાંબી લાઇન જોવા મળી રહી છે.