નબીપુર દયાદરા જવાના રોડ ઉપરની રેલ્વે ફાટકના એંગલમાં એક વાહન ફસાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. જોકે પોલીસે તાત્કાલિક દોડી આવી ટ્રાફિક યથાવત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
દિવાળીનો તહેવાર હવે ગણતરીના કલાકોજ બાકી છે તેવા સમયે બહાર રહેતા લોકો પોતાના વતન તરફ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા પ્રયાણ કરતા હોય છે. તેવા જ સમયે ભરૂચ જિલ્લાના નબીપુર દયાદરા રોડ પર આવેલ પશ્ચિમ રેલવેની ફાટક નંબર LC 187 પર એક ભારે વાહન નંબર GJ 12 Z 2638 નબીપુર થી દયાદરા તરફ જઈ રહ્યું હતું તે વેળા આ વાહન રેલવે ફાટક ઉપર લાગેલા એન્ગલમાં ભરાઈ જતા ફાટક ઉપર ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો.
એકાએક ટ્રાફિક જામ થવાને પગલે મુસાફરો અટવાઈ પડયા હતા.આ બનાવની જાણ નબીપુર રેલવે સ્ટેશન માસ્તરને કરાતા રેલવે પોલીસ ઘટના સ્થળે રવાના થઈ હતી. જેમણે ટ્રાફીક હળવો કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટના માં રેલવે પોલીસે ભારે વાહન સામે તપાસ કરી તેના ચાલક અને માલીક સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી હતી.